વચનામૃત જેતલપુરનું - ૫
સંવત ૧૮૮૨ના ચૈત્ર સુદિ ૫ પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે મહોલની દક્ષિણાદિ કોરે જગ્યાની માંહી ચોકને વિષે ઉત્તરાદે મુખારવિંદે પાટ ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને મસ્તક ઉપર ઝીણપોતી શ્વેત પાઘ ધરી રહ્યા હતા ને શ્વેત ઝીણી ચાદર ઓઢી હતી ને શ્વેત ધોતિયું પહેર્યું હતું અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને રાત દોઢ પહોર વીતી હતી.
પછી શ્રીજીમહારાજ ઘડીક વિચારીને બોલ્યા જે, (૧) સર્વે સાંભળો, આજ તો અમારે જેમ છે તેમ વાત કરવી છે જે, ભગવાનને ભજવા એથી બીજી વાત મોટી નથી, કાં જે ભગવાનનું કર્યું સર્વે થાય છે, અને આ સમે તો આ સભાનું કર્યું પણ થાય છે, અને શ્રી નરનારાયણને પ્રતાપે કરીને અમારું કર્યું પણ થાય છે તે લ્યો, કહીએ જે જેવો અમે મનમાં ઘાટ કરીએ છીએ તેવો આ જગતને વિષે પ્રવર્તે છે અને જેમ ધારીએ છીએ તેમ થાય છે પણ ખરું, જે આને રાજ આવો તો તેને રાજ પણ આવે છે અને આનું રાજ્ય છે તે જાઓ તો તેનું જાય છે, અને ધારીએ જે આ પળે આટલો વરસાદ આંહીં થાઓ તો ત્યાં જરૂર થાય છે અને આંહીં ન થાઓ તો ત્યાં નથી થાતો, અને વળી ધારીએ જે આને ધન પ્રાપ્ત થાઓ તો તેને થાય છે ને આને ન થાઓ તો તેને થાતું નથી, અને આને દીકરો આવો તો તેને દીકરો આવે છે અને ધારીએ જે આને દીકરો ન આવો તો તેને આવતો જ નથી, અને આને રોગ થાઓ તો તેને રોગ પણ થાય છે અને આને રોગ ન થાઓ તો તેને રોગ નથી થાતો, એવી રીતે અમે ધારીએ છીએ તેમ થાય છે ખરું. ત્યારે તમે કહેશો જે સત્સંગીને સુખ-દુઃખ થાય છે અને રોગાદિક પ્રાપ્ત થાય છે ને કાંઈક ધન-સમૃદ્ધિની હાનિ થાય છે અને મહેનત કરીને મરી જાય છે તોય પણ એ દરિદ્રી જેવો કેમ રહે છે ? તો એનું તો એમ છે જે એને ભગવાન ભજ્યામાં જેટલી કસર છે તેટલી જ એને સર્વ ક્રિયાને વિષે બરકત થાતી નથી. અને ભગવાનને તો એનું સારું જ કરવું છે જે શૂળીનું દુઃખ હશે તે ભગવાન પોતાના આશ્રિત જનનું કાંટે કરીને ટાળતા હશે. અને અમે તો એમ જાણીએ છીએ જે સત્સંગીને તો એક વીંછીની પીડા થાતી હોય તો અમને હજાર ગણી થાઓ, પણ તે પીડાથી તે હરિભક્ત રહિત થાઓ અને સુખિયા રહો, એમ અમે રામાનંદ સ્વામી આગળ બોલ્યા હતા, માટે અમારી તો નજર એવી છે જે સર્વેનું સારું થાઓ. અને ભગવાનને વિષે જીવના મનની વૃત્તિને રાખવાનો ઉપાય નિરંતર કરીએ છીએ તે શા સારુ જે અમે તો ભૂત, ભવિષ્ય ને વર્તમાન એ ત્રણ કાળને વિષે સર્વે ક્રિયાને જાણીએ છીએ અને આંહીં બેઠાં છતાં પણ સર્વેને જાણીએ છીએ અને માતાના ઉદરને વિષે હતા તે દિવસે પણ જાણતા હતા અને ઉદરને વિષે નહોતા આવ્યા તે દિવસે પણ જાણતા હતા, કેમ જે અમે તો ભગવાન જે શ્રી નરનારાયણ ઋષિ તે છીએ, અને મહાપાપવાળો જીવ હશે તે અમારે આશરે આવશે ને ધર્મ-નિયમમાં રહેશે તેને અમે અંતકાળે દર્શન દેઈને ભગવાનનું જે અક્ષરધામ તેને પમાડીએ છીએ. અને હવે તે અક્ષરધામના પતિ શ્રી પુરુષોત્તમ જે તે પ્રથમ ધર્મદેવ થકી જે મૂર્તિ નામે દેવી, જેને ભક્તિ કહીએ તેને વિષે શ્રી નરનારાયણ ઋષિ રૂપે પ્રગટ થઈને બદરિકાશ્રમને વિષે તપને કરતા હવા. અને તે શ્રી નરનારાયણ ઋષિ આ કળિયુગને વિષે પાખંડી મત તેનું ખંડન કરવા અને અધર્મના વંશનો નાશ કરવા અને ધર્મના વંશને પુષ્ટ કરવા ને ધર્મ, જ્ઞાન,વૈરાગ્ય તેણે સહિત જે ભક્તિ તેને પૃથ્વીને વિષે વિસ્તારવા સારુ શ્રી ધર્મદેવ થકી ભક્તિને વિષે નારાયણ મુનિ રૂપે પ્રગટ થઈને આ સભાને વિષે વિરાજે છે તે જાણજ્યો. એમ કહીને પોતાના જનને અતિ મગ્ન કરતા હવા. અને વળી બોલ્યા જે, અમે વારે વારે શ્રી નરનારાયણ દેવનું મુખ્યપણું લાવીએ છીએ તેનું તો એ જ હારદ છે, જે શ્રીકૃષ્ણ પુરુષોત્તમ અક્ષરધામના ધામી શ્રી નરનારાયણ તે જ આ સભામાં નિત્ય વિરાજે છે તે સારુ મુખ્યપણું લાવીએ છીએ. અને તે સારુ અમે અમારું રૂપ જાણીને લાખો રૂપિયાનું ખર્ચ કરીને શિખરબદ્ધ મંદિર શ્રી અમદાવાદમાં પ્રથમ કરાવીને શ્રી નરનારાયણની મૂર્તિઓ પ્રથમ પધરાવી છે. અને એ શ્રી નરનારાયણ તો અનંત બ્રહ્માંડના રાજા છે અને તેમાં પણ આ જે ભરતખંડ તેના તો વિશેષે રાજા છે. અને એ જે શ્રી નરનારાયણ તેને મેલીને આ ભરતખંડનાં મનુષ્ય બીજા દેવને ભજે છે, તે તો જેમ વ્યભિચારિણી સ્ત્રીઓ હોય તે પોતાના ધણીને મેલીને બીજા જારને ભજે તેમ છે. અને શ્રી નરનારાયણ ભરતખંડના રાજા છે તે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે. અને અમે આ સંત સહિત જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા છીએ, તે માટે તમે અમારું જો વચન માનશો તો અમે જે ધામમાંથી આવ્યા છીએ તે ધામમાં તમને સર્વેને તેડી જાશું, અને તમે પણ એમ જાણજ્યો જે અમારું કલ્યાણ થઈ ચૂક્યું છે. અને વળી અમારો દૃઢ વિશ્વાસ રાખશો ને કહીએ તેમ કરશો તો તમને મહા કષ્ટ કોઈક આવી પડશે તેથી અથવા સાતદકાળી જેવું પડશે તે થકી રક્ષા કરશું. અને કોઈએ ઊગર્યાનો આરો નથી એવું કષ્ટ આવી પડશે તોય પણ રક્ષા કરશું, જો અમારા સત્સંગના ધર્મ બહુ રીતે કરીને પાળશો તો, ને સત્સંગ રાખશો તો. અને નહિ રાખો તો મહા દુઃખ પામશો તેમાં અમારે લેણા-દેણા નથી. (૧) ને અમે તો આ સમે કોઈ વાતનું કાચું રાખ્યું નથી. ને જુઓને ! આ જેતલપુર ગામમાં અમે કેટલાય યજ્ઞ કર્યા, અને કેટલાંક વર્ષ થયાં આંહીં રહીએ છીએ. અને જુઓને ! આ તલાવને વિષે અમે સર્વે સંતે સહિત હજારો વાર નાહ્યા છીએ, અને આ જેતલપુર ગામમાં અમે ઘેર ઘેર સો સો વાર ફર્યા છીએ, અને ઘેર ઘેર ભોજન કર્યાં છે, ને આ ગામની સીમ ને ગામ તે વૃંદાવન કરતાં પણ વિશેષ રમણ સ્થળ કર્યું છે. (૨) એમ વાત મહારાજ કરે છે એટલાકમાં તો આકાશમાં એક મોટો તેજનો ગોળો દેખાણો, અને તે એક ગોળાના ત્રણ ગોળા થઈ ગયા, ને મહોલ ઉપર ઘડીક આકાશમાં દેખાઈને અદૃશ્ય થઈ ગયા. ત્યારે સૌએ કહ્યું જે, હે મહારાજ ! એ શું હતું ? ત્યારે મહારાજે કહ્યું જે, બ્રહ્મા, વિષ્ણુ ને શિવ એ ત્રણે દેવ નિત્ય આ સંતની સભાનાં ને અમારાં દર્શન કરવા આવે છે, પણ આજ તો વિમાને સોતા હરિઇચ્છાએ કરીને દેખાણા. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૫।। (૨૩૪)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, સર્વ સાધન કરવાથી અમને ભજવા એ મોટી વાત છે. ને અમારું જ કર્યું સર્વે થાય છે ને અમારે પ્રતાપે કરીને આ સભાનું કર્યું પણ થાય છે અને અમને ભજ્યામાં કસર રહે તેટલી બરકત થતી નથી અને અમે તો અમારા સત્સંગીને સર્વ પીડાથી રહિત કરીએ છીએ અને આંહીં બેઠા થકા સર્વેને જાણીએ છીએ અને અમે ભગવાન છીએ અને મહાપાપી જીવ અમારે આશરે આવીને ધર્મ-નિયમમાં રહે તેને અમારું અક્ષરધામ પમાડીએ છીએ. અને અમે પાખંડી મતનું ખંડન કરવા, ને અધર્મના વંશનો નાશ કરવા ને ધર્મના વંશને પુષ્ટ કરવા ને ધર્માદિક અંગે સહિત ભક્તિને પૃથ્વીને વિષે વિસ્તારવા, ધર્મભક્તિ થકી પ્રગટ થઈને આ સભાને વિષે વિરાજીએ છીએ અને અમને મેલીને બીજા દેવને ભજે તે જારને ભજે તેમ છે. અને અમે આ અમારા સંત સહિત જીવોના કલ્યાણ કરવાને અર્થે પ્રગટ થયા છીએ તે અમારા વચનમાં રહેશો તો અમારા ધામમાં તેડી જાશું અને તમે પણ તમારું કલ્યાણ થયું છે એમ જાણજો. અને અમારો દૃઢ વિશ્વાસ રાખશો ને અમે કહીએ તેમ કરશો તો ઊગર્યાનો આરો નહિ હોય એવા કષ્ટમાં પણ રક્ષા કરશું. ને સત્સંગ નહિ રાખો ને નિયમ નહિ પાળો તો અમારે-તમારે લેવા-દેવા નથી. (૧) અને આ જેતલપુર ગામ તથા સરોવર તથા સીમ જેવું રમણ સ્થળ કર્યું છે તેવું કોઈ કર્યું નથી. (૨) અને આ દેવો નિત્યે અમારાં ને આ સભાનાં દર્શન કરવા આવે છે, એવી રીતે સભાની પ્રશંસા કરી છે. (૩) બાબતો છે.
૧ પ્ર પહેલી બાબતમાં અમે કરીએ તે થાય છે અને (પ્ર. ૮માં ૨/૪ બીજા પ્રશ્નમાં) અમને દીકરો આપતાં કે મૂઆને જીવતો કરતાં નથી આવડતું એમ કહ્યું તે કઈ રીતે સમજવું ?
૧ ઉ કોઈને દીકરો આપવો કે મૂઆને જીવતો કરવો એ અમને ને અમારા મુક્તને પ્રિય નથી એમ કહ્યું છે, પણ એ કામ ન કરી શકીએ એમ નથી કહ્યું.
૨ પ્ર અક્ષરધામના પતિ શ્રી પુરુષોત્તમ તે પ્રથમ ધર્મદેવ થકી ભક્તિને વિષે શ્રી નરનારાયણ ઋષિ રૂપે પ્રગટ થઈને બદરિકાશ્રમને વિષે તપ કરતા હવા તે જ નરનારાયણ ધર્મદેવ થકી ભક્તિને વિષે પ્રગટ થઈને આ સભાને વિષે બિરાજે છે એમ શ્રીજીમહારાજે કહ્યું અને (છે. ૨માં) શ્વેતદ્વીપ, ગોલોક, વૈકુંઠ, બદરિકાશ્રમની સભાથી આ સત્સંગીની સભા અધિક છે એમ સમ ખાઈને પોતે કહ્યું છે, માટે એમ જોતાં તો બદરિકાશ્રમને વિષે નરનારાયણ રહ્યા છે તેથી શ્રીજીમહારાજ અતિશે મોટા થયા અને જો બદરિકાશ્રમમાં નરનારાયણ છે તે જ શ્રીજીમહારાજ હોય તો તો આ સભા ને બદરિકાશ્રમની સભા તે સરખી હોવી જોઈએ માટે તે કેવી રીતે સમજવું?
૨ ઉ બદરિકાશ્રમને વિષે નરનારાયણ રહ્યા છે તે નરનારાયણને વિષે શ્રીજીમહારાજ અંતર્યામી રૂપે રહ્યા છે માટે નરનારાયણ રૂપે રહ્યા છે એમ કહેવાય. માટે અક્ષરધામના પતિ જે શ્રીજીમહારાજ તે નરનારાયણ રૂપે એટલે નરનારાયણ દ્વારે બદરિકાશ્રમમાં રહ્યા છે પણ જેમ અક્ષરધામમાં પોતે સ્વયં વિરાજમાન છે તેમ નથી રહ્યા, માટે નરનારાયણથી જુદા છે ને પર છે ને કારણ છે. અને નરનારાયણ ઋષિ ધર્મભક્તિ થકી પ્રગટ થઈને આ સભામાં વિરાજે છે એમ કહ્યું તે તો નરનારાયણના શાપ નિમિત્તે પોતે પધાર્યા તેથી કહ્યું છે. અને અમે અમારું રૂપ જાણીને શ્રી નરનારાયણની મૂર્તિઓ પ્રથમ પધરાવી છે એમ શ્રીજીમહારાજે કહ્યું તે મતવાદીઓને પોતે સંકલ્પે કરીને એ રૂપે દેખાયા હતા તે રૂપ પધરાવ્યાં છે એમ જાણવું અને નરનારાયણને ભજવાનું કહ્યું છે તે પણ પોતાને જ ભજવાનું કહ્યું છે.
૩ પ્ર બીજી બાબતમાં આ જેતલપુર ગામની સીમ ને ગામ તે વૃંદાવન કરતાં પણ વિશેષ રમણ સ્થળ કર્યું છે એમ કહ્યું તે વૃંદાવનમાં તો શ્રીકૃષ્ણ ભગવાન રહ્યા હતા તે વૃંદાવનથી તો જેતલપુર વિશેષ હોય જ માટે વૃંદાવનથી વિશેષ કહ્યું તે કેવી રીતે સમજવું ?
૩ ઉ જેમ શ્રીકૃષ્ણ ભગવાને ગોકુળ, મથુરા આદિકથી વૃંદાવનને વિષે અધિક લીલા કરી હતી તેમ શ્રીજીમહારાજે સર્વ ધામ થકી જેતલપુર ધામમાં વિશેષ લીલા કરી છે ને વિશેષ રહ્યા છે ને મોટા મોટા યજ્ઞ કર્યા છે, માટે સર્વ ધામથી વિશેષ કહ્યું છે. ।।૫।। (૨૩૪)
ઇતિ શ્રી કચ્છદેશે વૃષપુર નિવાસી અનાદિમુક્તરાજ શ્રી અબજીભાઈ વિરચિત
સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મુખકમળ નિઃસૃત
વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાયાં જેતલપુર પ્રકરણં સમાપ્તમ્